ગુજરાતમાં 24.36 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હવે વરસાદની ઘટ માત્ર 20% છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી ફરીથી ચોમાસું જામ્યું છે. છતાંય હજુ પણ રાજ્યમાં 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભવના છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આ સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર,
ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જે હાલની સ્થિતિએ મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 19-23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. જોકે, હવે વારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આવે તેવી વકી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
હાલની આગાહીના આધારે રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે ગણેશ ચતુર્થીના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
જ્યારે સોમવારે ભાદરવી પૂનમના દિવસે, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો હજી પણ સામે આવી રહ્યા છે. ત્યારે જોડિયા પંથકના ઊંડ નદીમાં આવેલા ચેકડેમ કે જેને સ્થાનિકો મસાણીયા ચેકડેમ તરીકે ઓળખે છે. જ્યાં બનાવાયેલ પારો પણ તૂટી ગયો છે. આ પારા ઉપરથી 4000 વીઘા જેટલી ખેતીની જમીનમાં રસ્તો આવેલો છે. જે રસ્તો બંધ થઈ ગયો છે.
જોડીયાના લક્ષ્મીપુરા વિસ્તારના સ્થાનિક રહીશો પોતાની આવેલી ખેતીની જમીનમાં માત્ર એક જ રસ્તેથી જતા હતા. તે રસ્તો પણ ખૂબ સાંકડો અને નદી અને દરિયા વચ્ચેથી પસાર થઇ રહ્યો છે. ઉંડ નદીના વહેણ વચ્ચેથી પસાર થતો રસ્તો નદી પર અને ચેકડેમ પર બાંધેલા પારો એટલે કે કોઝવે પરથી જતા બંધ થયો છે. અહીંથી 200થી વધુ ખેડૂતો પોતાના ખેતરોએ જતા હતા પરંતુ હાલ ખેતરોના હાલ પણ બેહાલ થયા છે.
ત્યારે ખેતરો સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, અમદાવાદ, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]