રાજ્યમાં કોરોનાને એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે તેમજ કોરોનાને કારણે લાગેલા લોકડાઉન અને લોકોમાં વ્યાપેલા ભયને પગલે અનેક ધંધાઓની માઠી દશા બેઠી છે. મોટા ભાગના લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. એમાં પણ કેટલીક ઇન્ડસ્ટ્રી તો બંધ થઈ ગઈ છે તો કેટલીક ઇન્ડસ્ટ્રી પડી ભાગી છે, ત્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીની હાલત પણ ખરાબ છે. છેલ્લા 1 વર્ષમાં ટૂર્સ અને ટ્રાવેલ્સને રૂ.1500 કરોડ કરતાં પણ વધુનું નુકસાન થયું છે. ચૂંટણી સમય મોટા પ્રમાણમાં ભીડ થઈ ત્યારે સરકાર ચુપ, પણ લોકોને હરવા-ફરવા જાય તો કોરોના ફેલાય છે. આર્થિક નુકસાન થતા ટ્રાવેલ્સના માલિકોએ આ પ્રકારના આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
કેટલાક ટ્રાવેલ્સ એજન્સીવાળાઓએ અન્ય કામ શરૂ કર્યાં : ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો મોટા ભાગનો ધંધો દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન થતો હોય છે, પરંતુ ગત વર્ષે કોરોના શરૂ થયો હતો, જેથી ઉનાળુ વેકેશન જેવું કંઈ હતું જ નહીં અને દિવાળી તહેવારોમાં પણ કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોમાં પણ કોરોનાનો ડર હતો, જેને કારણે લોકો પણ ખાસ ફરવા માટે ગયા નહોતા. હાલ સામાન્ય કરતાં 60થી 70 ટકા ધંધો ઓછો ચાલી રહ્યો છે. કેટલાક ટ્રાવેલ્સ એજન્સીવાળાઓએ આ કામ છોડીને અન્ય કામ શરૂ કરી દીધાં છે.
50 ટકા પેસેન્જર બેસાડવાની છૂટ હોવાથી નુકસાન : ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓ સાથે સંકળાયેલા અનેક વેપારીઓએ નુકસાન ભોગવ્યું છે, એમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. મોટા ભાગની ટ્રાવેલ્સ રાતના સમયે જ નીકળતી હોય છે, પરંતુ રાજ્યનાં મહાનગરોમાં કર્ફ્યૂ અને નીતિનિયમોનું પાલન કરવાનું હોવાથી ધંધો થઈ શકતો નથી. આ ઉપરાંત ટ્રાવેલ્સમાં પણ 50 ટકા પેસેન્જરની ક્ષમતાની પરવાનગી આપવામાં આવી છે, જેથી ભારે નુકસાન થઈ રહ્યું છે.
સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો સેંકડો બેરોજગાર થઈ શકે : આ અંગે ટ્રાવેલ્સ એજન્સીના માલિક મનીષ શર્માએ જણાવ્યું હતું કે ટૂરિઝમને છેલ્લા એક વર્ષ દરમિયાન રૂપિયા 1,500 કરોડનું નુક્સાન થયું છે. કોરોના બાદ ટ્રાવેલ્સમાલિકોએ ભારે નુક્સાન વેઠવું પડ્યું છે. મોટા ભાગે આ વ્યવસાયમાં 25થી 35 વર્ષના લોકો સૌથી વધુ જોવા મળે છે, જેમની રોજગારી ઝૂંટવાઈ ગઈ છે. આગામી સમયમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો હજુ પણ સેંકડો લોકો બેરોજગાર થઈ શકે છે. વેકેશન જેવું રહ્યું જ નથી, ગત વર્ષે પણ નહોતું અને આ વર્ષે પણ કેસોમાં વધારો થતાં સ્કૂલનું શૈક્ષણિક સત્ર પાછું ખેંચાયું છે, જેને કારણે લોકો વેકેશન માણવા ક્યાંય જતા નથી, એટલે આ સીઝન પણ ફ્લોપ જ છે.
લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે : અન્ય ટ્રાવેલ્સ સંચાલક કૌશિક શાહે જણાવ્યું હતું કે દર વર્ષે બુકિંગ હાઉસફુલ થઇ જતાં હતાં, પરંતુ આ વર્ષે અનેક જાહેરાત અને ઓફર આપ્યા પછી પણ બસની અંદર બેસાડવાની ક્ષમતા જેટલા પેસેન્જર પણ આવતા નથી. લોકોમાં હજુ પણ કોરોનાનો ડર છે, જેને કારણે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. સરકારની તમામ ગાઈડલાઈન્સનું પાલન કર્યા છતાં પણ લોકોમાં ડર છે. જ્યાં સુધી ડર ઓછો નહીં થાય ત્યાં સુધી ધંધા પર અસર રહેશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.