Breaking News

સુરત AAPના નેતા ધર્મેશ ભંડેરીએ રેમડેસિવિર ઇંજેક્શન બાબતે ભાજપના આ નેતાની ખોલી મોટી પોલ !! જાણો સમગ્ર માહિતી વિસ્તારમાં…..

સુરત મ્યુનિ. કોર્પોરેશમાં આમઆદમી પાર્ટી (AAP)ના 27 સભ્ય ચૂંટાયા પછી શાસક ભાજપને ભીડવીને સતત સમાચારોમાં રહે છે. સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં આમઆદમી પાર્ટીના 27 કાઉન્સિલર્સ આક્રમક ઢબે વિપક્ષની ભૂમિકા નિભાવી રહ્યા છે. જાહેરજીવનના કોઈ અનુભવ કે રાજકીય ફેમિલી બેકગ્રાઉન્ડ વગર સૌપ્રથમ વખત ચૂંટાયેલા ધર્મેશ ભંડેરીએ  ભાજપ કાર્યાલયથી રેમડેસિવિર ઈંજેક્શન વહેંચવાની ચેષ્ટા સામે ઉગ્રતાપૂર્વક અણિયાળા સવાલો ઉપસ્થિત કર્યા હતા.

કોરોનાની મહામારીમાં પ્રશાસનની બેદરકારી, રેઢિયાળ વહીવટ અને સુરતીઓને પડતી હાલાકી વિશે ચર્ચા કરવા ઉપરાંત સુરતમાં ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલની મનમાની ચાલતી હોવા અંગે પણ તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા.ધર્મેશ ભંડારીનો સવાલઃ મુખ્યમંત્રીએ ‘પાટીલને પૂછો’ એવો અધ્ધરતાલ જવાબ દેવાનો હોય કે સમગ્ર ઘટનાની તપાસ કરવાની હોય?

ભાજપ કાર્યાલયથી ઈંજેક્શન વહેંચવાની ચેષ્ટા વિશે તમે શું કહો છો? : ધર્મેશ ભંડેરીઃ મહામારીના આટલા દુષ્કર સમયમાં પણ આવી ચેષ્ટાને હું બહુ સ્પષ્ટ તેમજ કડક શબ્દોમાં રાજકીય લાભ ખાટવાની રાક્ષસીવૃત્તિ કહીશ. હું તમને સમગ્ર ઘટનાક્રમ તારીખ સાથે સમજાવું.

  • સુરત જિલ્લા કલેક્ટરે 6 એપ્રિલે કહ્યું હતું કે દર્દીઓએ ખોટી દોડધામ કરવાની જરૂર નથી. ડોક્ટર કહેશે એ મુજબની જરૂરિયાતનાં ઈંજેક્શન અમે પૂરાં પાડીશું.
  • 8 એપ્રિલ સુધી આ વ્યવસ્થા બરાબર ચાલી અને જરૂરિયાતમંદ દર્દીઓને પૂરતી સંખ્યામાં ઈંજેક્શન મળી રહ્યાં હતાં.
  • 9 એપ્રિલે પ્રાઈવેટ હોસ્પિટલોએ મેલ કરીને ઈંજેક્શનની જરૂરિયાત મૂકી, એને એપ્રૂવલ પણ મળી ગઈ અને સિવિલ હોસ્પિટલમાંથી ઈંજેક્શનનો જથ્થો મેળવી લેવા કહેવાયું.
  • પ્રાઈવેટ હોસ્પિટલ સંચાલકો જ્યારે સિવિલ પહોંચ્યા ત્યારે કહેવાયું કે ઈંજેક્શનનો જથ્થો ખૂટી ગયો છે.
  • મોડી રાત્રે અચાનક કલેક્ટરે પણ જાહેર કર્યું કે હવે અમે ઈંજેક્શન પૂરાં નહિ પાડી શકીએ.

આ અચાનક કેમ થયું? બે જ દિવસમાં કલેક્ટરને પોતાનું જ બોલેલું રદ કરવાની જરૂર કેમ પડી? શું પાટીલભાઉએ સુરતની જનતાના ભોગે તો આ 5000 ઈંજેક્શન હસ્તગત નથી કર્યાં ને? તમારી પાસે લાઇસન્સ નથી, તમને ડ્રગ્ઝ-મેડિસિન મેઈન્ટેન કરવાનું શિક્ષણ નથી કે અનુભવ પણ નથી તો તમે કેવી રીતે ખરીદ્યાં, વહેંચી શકો?

ભાજપ કાર્યાલય પરથી ઈંજેક્શનની વહેંચણી થાય એ બાબત ગેરકાનૂની, અનૈતિક અને નિર્દયી છે. એમ છતાં મુખ્યમંત્રી એવો જવાબ આપે કે ‘ઈંજેક્શન ક્યાંથી આવ્યાં એ પાટીલને પૂછો’. આ તો ક્યા લેવલની બેદરકારી અને બેપરવાઈ છે? મુખ્યમંત્રીએ તો તરત તપાસ કરાવવી જોઈએ અને જનતા સમક્ષ તેની પારદર્શક વિગતો મૂકવી જોઈએ. એને બદલે મુખ્યમંત્રી આવા જવાબ આપે એ દર્શાવે છે કે સત્તાનું અસલી રિમોટ બીજે ક્યાંક છે. ભાજપના નેતાઓ પણ અમારી સમક્ષ સ્વીકારે છે કે પાટીલ સામે કોઈનું કંઈ ઊપજતું નથી.

તમે એમ કહેવા માગો છો કે સરકાર કરતાં ભાજપ સંગઠન પોતાને વધુ મોટું સત્તાકેન્દ્ર ગણે છે? :  ગણે છે નહિ, એમ જ છે. ભાજપની સરકાર કરતાં ભાજપનું સંગઠન પોતાને વધુ શક્તિશાળી માને છે. પોતાને સરકારથીય ઉપર હોય એવી એક સમાંતર સરકાર ગણે છે. પ્રદેશપ્રમુખ પોતાને જ ગુજરાતના સુપ્રીમ પાવર ગણે છે. આખું સુરત જાણે છે કે સી.આર.પાટીલ જ બધા નિર્ણયો લે છે અને એ નક્કી કરે, એ કહે એ પ્રમાણે જ થાય છે. મુખ્યમંત્રીનું કશું ઊપજતું નથી.

સુરત પાલિકાના ભાજપના ચૂંટાયેલા હોદ્દેદારો તો નીચી મુંડીએ ઉપરથી આવતા આદેશોને તાબે થવાનું જ કામ કરે છે. ભાજપના કેટલાક પદાધિકારીઓ છાના ખૂણે અમારી સમક્ષ એ મજબૂરી સ્વીકારે પણ છે. લખી રાખજો, હજુ તો શરૂઆત છે પણ આગામી પાંચ વર્ષમાં અમે ભાજપની આ દરેક આપખુદીનો પૂરી તાકાતથી વિરોધ કરીશું અને જનતા સમક્ષ ઉઘાડી પાડીશું. લોકોએ ભાજપ પર સતત વિશ્વાસ મૂક્યો, પણ બદલામાં ભાજપે કોરોના મહામારી સામે લોકોને રામભરોસે છોડી દીધા છે

કોરોના મહામારીની સુરતની સ્થિતિ બદતર હોવાનું જણાય છે. તમારી દૃષ્ટિએ એમાં ક્યાં કચાશ છે? : લોકોના ટેક્સનાં નાણાંનો યોગ્ય વહીવટ કરવો અને એના બદલામાં જનતાને પાણી, સફાઈ, રસ્તા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા આપવી એ મહાનગરપાલિકાની ફરજ છે. આજે કોરોના મહામારીમાં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે કે સુરત અને ગુજરાતના દરેક મોટાં શહેરોના સત્તાધારીઓ તેમાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે. સુરતમાં ચારેબાજુ સંક્રમણ ફાટી નીકળ્યું છે.

સારવાર તો બહુ દૂરની વાત છે, ટેસ્ટ કરાવવા માટેય વેઈટિંગ છે અને અત્યંત દુઃખદ્ વાત એ છે કે અંતિમક્રિયા માટેય વારો આવે એની રાહ જોવી પડે છે. ઉમરા હોય કે અશ્વિનીકુમાર સ્મશાનગૃહ હોય, દરેક ઠેકાણે લાશોની લાઈન લાગી હોય એવાં હૃદયદ્રાવક દૃશ્યોના અમે વીડિયો ઉતાર્યા છે અને લોકો સમક્ષ મૂક્યા છે. લોકોએ વિશ્વાસ મૂકીને સતત ભાજપને જિતાડ્યો એનો ભાજપ કેવો બદલો આપે છે એનું આ બહુ જ દુઃખદ, શરમજનક અને વરવું ઉદાહરણ છે.

આમઆદમી પાર્ટીના નવોદિત કાઉન્સિલર પર માત્ર સુરતની જ નહિ, સમગ્ર ગુજરાતની નજર છે. સુરતમાં તમે એવું શું અનોખું કરી રહ્યા છો? : ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની સરખામણીએ સુરતમાં આમઆદમી પાર્ટી સર્વાધિક 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ છે એ ખરું, પરંતુ કામગીરીનું મૂલ્યાંકન કરતી વખતે એ પણ યાદ રાખવું પડે કે અમે વિપક્ષ છીએ અર્થાત્ અમે સત્તા પર નથી. આમ છતાં પ્રથમ એક મહિનામાં જ કેટલાક મુદ્દાઓ ઉઠાવીને અમે સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના મનસ્વી વહીવટને ઉઘાડો પાડ્યો છે.

આ તો હજુ શરૂઆત છે. સુરતમાં મહાનગરપાલિકા પ્રશાસન જનહિતમાં ન હોય એવા કોઈપણ નિર્ણય લેશે ત્યાં અમે મક્કમ અને બોલકો વિરોધ કરીશું. પ્રજાએ આકરી મહેનત કરીને ચૂકવેલા ટેક્સનાં નાણાંનો લોકોના હિતમાં જ ઉપયોગ થાય એ જોવાની અમારી ફરજ છે અને અમે એ નિભાવીશું.

અત્યારસુધીમાં શાસકોના એવા ક્યા નિર્ણયો તમને જનહિતમાં હોવાનું ન લાગ્યું? : ચૂંટાઈને આવ્યા પછી તરતના સમયમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપરાંત વિપક્ષના નેતા તરીકે મને પણ આઈફોનનું લેટેસ્ટ મોડેલ આપવાનો નિર્ણય લેવાયો, જેની કિંમત આશરે રુ. 1 લાખ 58 હજાર જેટલી હોવાનું મારા જાણવામાં આવ્યું. મને આ પ્રજાના કાળા પરસેવાની કમાણીના પૈસાનો હળાહળ દુરુપયોગ લાગ્યો. હોદ્દેદાર તરીકે ફોન મળે તો એ બરાબર છે, પણ એ તો 15 હજારના ફોનથીય ચાલી શકે. એ માટે આવો મોંઘોદાટ ફોન આપવાની શી જરૂર છે?

મેં ના પાડી એ પછી આજ સુધી સુરત મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો હજુ સુધી અવઢવમાં છે અને કોઈ નિર્ણય લઈ શકતા નથી. આ અમારી શરૂઆત હતી. હવે જેમ જેમ અમે વહીવટની બારીકી અને તેમાં ભાજપના સત્તાધારીઓની મેલી મુરાદ પારખતા જઈએ છીએ એમ એમ અમારો વિરોધ વધુ તીવ્રતાથી રજૂ કરતા રહીએ છીએ. સુરત ટેક્સટાઈલ માર્કેટના કરોડપતિ વેપારીઓને લીઝ પાણીના ભાવે આપી દીધી છે; અમે એની સામે ઉગ્ર ઝુંબેશ ચલાવીશું.

ટેક્સ્ટાઈલ માર્કેટના રુ. 300 કરોડના કૌભાંડનો તમે વારંવાર ઉલ્લેખ કરો છો. એ શું છે? : જાહેર તિજોરીને નુકસાન પહોંચાડીને પોતાના ખિસ્સા ભરવાનું આ બહુ વરવુ ઉદાહરણ છે. સુરત ટેક્સ્ટાઈલ માર્કેટની જગ્યા 1967-68માં તત્કાલીન સુરત સુધરાઈ મંડળે કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે ટેક્સ્ટાઈલ કો-ઓપરેટિવ સોસાયટીને 50 વર્ષના ભાડા પટ્ટે આપી હતી. એ લિઝ 2017-18માં પૂરી થતી હતી. આશરે 24435 ચો. મીટર જેટલી આ જગ્યા લીઝની શરત મુજબ ફરીથી 50 વર્ષ માટે ભાડા પટ્ટે આપવાની જોગવાઈ હતી, પરંતુ જંત્રીભાવે ભાડું નક્કી કરવાની પણ શરત હતી.

વર્ષ 2018માં પાલિકાની જૂની બોડીએ 52250 રુ. પ્રતિ ચો. મીટરના જંત્રીભાવે ભાડે આપવાનું નક્કી કર્યું. એ હિસાબે આ જગ્યાનું 50 વર્ષ માટેનું એક જ વાર આપવાનું થતું ભાડું રુ. 127 કરોડ જેટલું થયું. કોર્પોરેશનની ગત બોડીમાં આ અંગે ઠરાવ થઈ ચૂક્યો હતો, મંજૂરી મળી ગઈ હતી. 5 વર્ષમાં આ રકમ ચૂકવવાનુંય નક્કી થયેલું હતું. આમ છતાં ટેક્સટાઈલ માર્કેટના હોદ્દેદારોને આ જંત્રીભાવ પણ બહુ વધારે લાગતો હતો. જ્યારે કે એ વિસ્તારમાં આ મોકાની જગ્યાનો બજારભાવ હાલ રુ. 2 લાખ પ્રતિ ચો. મીટર જેટલો છે અને વાસ્તવિકતા એ છે કે આટલો તોતિંગ ભાવ ચૂકવ્યા પછી પણ ત્યાં જગ્યા મળવી મુશ્કેલ છે.

ટેક્સટાઈલ માર્કેટમાં 1033 જેટલી દુકાનો, ઓફિસ છે, જેનું હાલ રૂ. 50 હજારથી માંડીને રુ. દોઢ લાખ જેટલું તો મહિનાનું ભાડું હોય છે. અમે 1033 દુકાનમાં 50 વર્ષ માટે રુ. 127 કરોડની વહેંચણી કરી તો ખ્યાલ આવ્યો કે એક દુકાનનું મહિનાનું ભાડું રુ. 2000 જેટલું માંડ થાય છે. આ રીતે સાવ મફતના ભાવે જગ્યા બીજાં 50 વર્ષ માટે મળતી હોવા છતાં ટેક્સટાઈલ માર્કેટે વાંધા અરજી કરી.

હવે જ્યારે પાલિકામાં નવી બોડી અસ્તિત્વમાં આવી, નવી સ્થાયી સમિતિ રચાઈ ત્યારે તેણે ટેક્સટાઇલ માર્કેટની વાંધા અરજી મંજૂર રાખી અને રુ. 127 કરોડનું ભાડું યથાવત્ રાખ્યું, પરંતુ 50 વર્ષની લીઝ 99 વર્ષ માટે કરી દેવાનું ઠરાવ્યું, એટલે હાલ જ્યાં 50 હજારથી દોઢ લાખ રુપિયા જેટલું મહિનાનું ભાડું લેવાય છે; એ જગ્યા સુરત મ્યુનિ.એ માત્ર 1000 રુ.ના ભાડા પેટે આપી દેવાનું નક્કી કર્યું. આ તો જનતાનાં નાણાનો સરાસર ગેરવહીવટ ગણાય. મહાનગરપાલિકાની તિજોરી લૂંટવાની જ વાત છે; આમાં ઉઘાડા ભ્રષ્ટાચારની ગંધ આવે છે.

અમે એવી માગણી કરી છે કે કોરોના મહામારીને કારણે લોકોની હાલત બહુ જ દયનીય બની છે, ત્યારે 100 ચો. મીટરથી નાનાં મકાનોમાં રહેનારાઓને મિલકતવેરામાં રાહત આપવી જોઈએ. ગરીબો અને નિમ્ન મધ્યમવર્ગને આવી રાહત આપવાનું ભાજપના શાસકોને ગમતું નથી. તેની સામે કરોડોનો બિઝનેસ કરનારા ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓને આવો તગડો લાભ કેમ કરાવવામાં આવે છે? હાલ કોરોનાને કારણે અમે આ મુદ્દે શરૂ કરેલ ઉપવાસ આંદોલન મોકૂફ રાખ્યું છે, પરંતુ આવનારા દિવસોમાં આ મુદ્દે ભાજપશાસિત બોડીએ સુરતની જનતાને જવાબ આપવો જ પડશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *