વિધવા સહાય બાબતે તંત્રની ઘોર બેદરકારી, આખરે વિધવાને ખાટલામાં લઈ ગ્રામજનો કચેરીએ પહોંચ્યા,અને કર્મચારીએ આપ્યો કઈક આવો જવાબ..

મહેસાણા  : વિસનગરના વાલમ ગામના વિધવા વૃદ્ધાને છેલ્લાં 2 વર્ષથી પેન્શન નથી મળ્યું. આ મામલે અગાઉ કચેરીમાં પણ વૃદ્ધાએ રજૂઆતો કરી છે, પરંતુ સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલ્યું નહિ. વિધવા વૃદ્ધા ખાટલાવશ થતાં વિધવાને પેન્શન મળે એ માટે ગામલોકો વૃદ્ધાને લઈને કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

એકલવાયું જીવન જીવતી વૃદ્ધા મજૂરી કરી ગુજરાન ચલાવે છે : મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકામાં આવેલા વાલમ ગામમાં રહેતા 57 વર્ષીય વૃદ્ધા સંતાબેન મંગાજી ઠાકોર જેઓ નિઃસંતાન છે. તેમજ મજૂરી કરી પોતાનું જીવન ગુજારી રહ્યાં હતાં. 2005માં વૃદ્ધાના પતિનું અવસાન થયું હતું. ત્યાર બાદ આ વૃદ્ધાના પરિવારમાં આગળપાછળ કોઈના હોવાથી તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

છેલ્લા 2 વર્ષ થવા છતાં વિધવા સહાયનો લાભ ન મળ્યો : સરકાર દ્વારા વિધવા મહિલાઓને મોંઘવારીમાં મદદરૂપ થવા માટે વિધવા સહાય યોજવા શરૂ કરી છે. જેમાં આ વૃદ્ધાએ વિધવા સહાય પેન્શન મેળવવા માટે 22 માર્ચ 2019માં અરજી કરી હતી. અને 9 એપ્રિલ 2019ના રોજ આ અરજી મંજૂર થઈ હતી. પરંતુ વીસનગર મામલતદાર કચેરીના અણઘડ વહીવટ તેમજ આળસુ અધિકારીઓને કારણે બે વર્ષ થઈ ગયાં હોવા છતાં આ વૃદ્ધાને આજદિન સુધી વિધવા સહાયનો લાભ મળ્યો નથી.

સરકારી તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય : વૃદ્ધાએ ગામલોકોના સહયોગથી વીસનગર મામલતદાર કચેરીમાં આ મામલે અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ સરકારી બાબુઓએ આ વાતને ધ્યાનમાં લીધી ન હતી. ગામલોકોએ ચાર-ચારવાર વિધવા સહાયના મંજૂરીપત્રો અને પોસ્ટ ખાતાની ચોપડીની ઝેરોક્સ તેમજ વૃદ્ધાના તમામ ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાં સરકારી બાબુઓ કોઈને કોઈ બહાના બતાવી પોતાનો બચાવ કરી આ મામલામાંથી છટકી રહ્યા હતા.

ખાટલાવશ વૃદ્ધાને વીસનગર પ્રાંત કચેરી રજૂઆત કરવા લઈ જવાયાં : જ્યારે તાજેતરમાં વૃદ્ધ શાંતાબેન મજૂરી કરતાં હતાં. ત્યારે પડી જવાને કારણે કમર ક્રેક પડવાને કારણે હવે ચાલી શકતાં નથી. અને પથારીવશ થઈ ગયાં છે, જેથી તેમને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી તેઓ ખાવા માટે પણ કોઈ ને કોઈ વ્યક્તિનો સહારો લેવા મજબૂર બન્યાં છે. જ્યારે આજે વાલમ ગામના સામાજિક કાર્યકર્તાઓ ખાટલાવશ વૃદ્ધાને ખાટલામાં જ ઉપાડી વીસનગર પ્રાંત કચેરી રજૂઆત કરવા લાવ્યા હતા. અને અધિકારીનું આ મામલે ફરીવાર ધ્યાન દોર્યું હતું.

સામાજિક અગ્રણી અનિલ પટેલે અધિકારી સામે રજૂઆત કરતાં અધિકારીએ સહાય માટેની અરજીપ્રક્રિયા તાત્કાલિક અસરથી તપાસ કરાવતાં લાભાર્થી મહિલાનું પેન્શન શરૂ થઈ ગયું છે. છેલ્લા 1 વર્ષથી જે બેન્ક ડિટેલ અને અન્ય દસ્તાવેજ અરજદારે જમા ન કરાવતાં અટક્યું હતું, એ હવે 10 દિવસમાં આવતા માસથી ભેગું મળી જશે અને ત્યાર બાદ પેન્શન નિયમ અનુસાર તબક્કાવાર મળતું રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment